Nehemiah 13

1તે દિવસે મૂસાનું નિયમશાસ્ત્ર લોકોને વાંચી સંભળાવવામાં આવ્યું. તેમાં તેઓને એવું લખાણ મળ્યું કે, આમ્મોનીઓને કે મોઆબીઓને ઈશ્વરની મંડળીમાં કદી દાખલ કરવા નહિ. 2કેમ કે તે લોકો ઇઝરાયલીઓને માટે અન્ન તથા પાણી લઈને સામે મળવા આવ્યા નહોતા, પણ તેઓએ ઇઝરાયલીઓને શાપ આપવા માટે લાંચ આપીને બલામને રોક્યો હતો. તેમ છતાં આપણા ઈશ્વરે તે શાપને આશીર્વાદમાં ફેરવી નાખ્યો હતો. 3જયારે લોકોએ આ નિયમશાસ્ત્ર સાંભળ્યું ત્યારે સર્વ વિદેશીઓને ઇઝરાયલમાંથી જુદા કરવામાં આવ્યા.

4પરંતુ આ અગાઉ, યાજક એલ્યાશીબ જેને ઈશ્વરના ભક્તિસ્થાનના ભંડારનો કારભારી નીમ્યો હતો, તે ટોબિયાના સગો હતો. 5એલ્યાશીબે ટોબિયા માટે એક વિશાળ રૂમ તૈયાર કરી તેમાં અગાઉ ખાદ્યાર્પણો, ધૂપ, વાસણો, અનાજ, નવો દ્રાક્ષારસ અને જૈતતેલના દશાંશ રાખવામાં આવતા હતા. અને તેમાંથી નિયમ પ્રમાણે લેવીઓ, ગાનારાઓ તથા દ્વારપાળોને આપવામાં આવતું હતું. તેમ જ યાજકોનાં ઉચ્છલીયાર્પણો પણ તેમાં રાખવામાં આવતાં હતાં.

6પણ તે સમયે હું યરુશાલેમમાં નહોતો, કારણ, બાબિલના રાજા આર્તાહશાસ્તાના બત્રીસમા વર્ષે હું રાજા પાસે ગયો હતો. થોડા સમય પછી મેં રાજા પાસે જવાની પરવાનગી માંગી. 7હું યરુશાલેમ પાછો આવ્યો. એલ્યાશીબે ટોબિયાને માટે ઈશ્વરના ભક્તિસ્થાનની પરસાળમાં રૂમ બાંધીને જે દુષ્કર્મ કર્યું હતું તેની મને ખબર પડી.

8ત્યારે હું ઘણો ક્રોધિત થયો અને મેં તે રૂમમાંથી ટોબિયાનો સર્વ સામાન બહાર ફેંકી દીધો. 9તેને સાફસૂફ કરવાનો મેં હુકમ કર્યો અને પછી ઈશ્વરના ભક્તિસ્થાનનાં પાત્રો, ખાદ્યાર્પણો તથા લોબાન હું તેમાં પાછાં લાવ્યો.

10મને એ પણ ખબર પડી કે લેવીઓના હિસ્સા તેઓને આપવામાં આવતા ન હતા. તેથી લેવીઓ તથા ગાનારાઓ પોતપોતાના ખેતરોમાં ચાલ્યા ગયા હતા. 11તેથી મેં આગેવાનોની સાથે ઉગ્ર થઈને પૂછ્યું, “શા માટે ઈશ્વરના ભક્તિસ્થાનને તુચ્છકારવામાં આવે છે? મેં લેવીઓને એકત્ર કરીને તેઓને પોતપોતાની જગ્યા પર રાખ્યા.

12પછી યહૂદિયાના સર્વ લોકો અન્નનો, દ્રાક્ષારસનો તથા તેલનો દસમો ભાગ ભંડારમાં લાવવા લાગ્યા. 13તે ભંડારો ઉપર મેં ખજાનચીઓ નીમ્યા તેઓ આ છે: શેલેમ્યા યાજક, સાદોક શાસ્ત્રી તથા લેવીઓમાંનો પદાયા. તેઓના પછી માત્તાન્યાનો દીકરો ઝાક્કૂરનો દીકરો હાનાન હતો, કેમ કે તેઓ વિશ્વાસુ ગણાતા હતા. પોતાના ભાઈઓને વહેંચી આપવું, એ તેઓનું કામ હતું. 14મેં પ્રાર્થના કરી, હે મારા ઈશ્વર, આ મારાં સારાં કાર્યોને યાદ રાખજો અને ઈશ્વરના ભક્તિસ્થાનને માટે તથા તેની સેવાને માટે મેં જે સારા કામ કર્યાં છે તેને નષ્ટ થવા દેશો નહિ.

15તે સમયે યહૂદિયામાં મેં કેટલાક લોકોને સાબ્બાથના દિવસે દ્રાક્ષો પીલતા તથા અનાજની ગૂણો અંદર લાવી ગધેડા પર લાદતા અને દ્રાક્ષારસ, દ્રાક્ષો, અંજીર તથા સર્વ પ્રકારના ભાર યરુશાલેમમાં લાવતા જોયા. તેઓને અન્ન વેચતા પણ મેં જોયા, ત્યારે મેં તે દિવસે તેઓની સામે વાંધો લીધો.

16યરુશાલેમમાં તૂરના માણસો પણ રહેતા હતા, જેઓ માછલી તથા બીજી બધી જાતનો માલ લાવતા અને સાબ્બાથના દિવસે યહૂદિયાના લોકોને તે વેચતા. 17પછી મેં યહૂદિયાના આગેવાનોની સામે ફરિયાદ કરીને કહ્યું, “તમે આ કેવું ખરાબ કામ કરો છો અને સાબ્બાથ દિવસને ભ્રષ્ટ કરો છો? 18શું તમારા પિતૃઓ એમ નહોતા કરતા? અને તેથી આપણા ઈશ્વરે આપણા પર તથા આ નગર પર શું આ બધાં દુ:ખો વરસાવ્યાં નથી? હવે તમે સાબ્બાથ દિવસને ભ્રષ્ટ કરીને ઇઝરાયલ પર ઈશ્વરનો વધારે કોપ લાવો છો.”

19સાબ્બાથને આગલે દિવસે સૂર્ય અસ્ત થાય ત્યારે યરુશાલેમના દરવાજા બંધ કરવાની અને સાબ્બાથ પહેલાં તેઓને નહિ ઉઘાડવાની મેં આજ્ઞા આપી. મેં મારા ચાકરોમાંના કેટલાકને દરવાજા પર ગોઠવ્યા, જેથી શહેરમાં સાબ્બાથને દિવસે કોઈપણ જાતનો માલ અંદર લાવવામાં ન આવે. 20વેપારીઓ તથા સર્વ પ્રકારનો માલ વેચનારાઓએ એક બે વખત યરુશાલેમની બહાર મુકામ કર્યો.

21પણ મેં તેમને ચેતવણી આપી, “તમે દીવાલની બહાર કેમ છાવણી નાખે છે? જો તમે ફરી એ પ્રમાણે કરશો તો હું તમને શિક્ષા કરીશ!” ત્યાર પછી તે સમયથી તેઓ સાબ્બાથના દિવસે ક્યારેય આવ્યા નહિ. 22મેં લેવીઓને આજ્ઞા કરી કે સાબ્બાથના દિવસે તેઓ પોતાને પવિત્ર રાખવા માટે પોતે શુદ્ધ થાય અને દરવાજાઓની સંભાળ રાખે.

મેં પ્રાર્થના કરી, હે મારા ઈશ્વર, મારા લાભમાં આનું પણ સ્મરણ કરો કેમ કે તમારી કૃપાને લીધે મારી પર કરુણા કરો.

23તે સમયે જે યહૂદીઓએ આશ્દોદી, આમ્મોની તથા મોઆબી સ્ત્રીઓ સાથે લગ્ન કર્યાં હતાં તેઓને મેં જોયા. 24તેઓનાં બાળકો અર્ધું આશ્દોદી ભાષામાં બોલતાં હતાં અને તેઓને યહૂદીઓની ભાષા આવડતી ન હતી, પણ પોતપોતાના લોકોની મિશ્ર ભાષા બોલતાં હતાં.

25મેં તેઓની વિરુદ્ધ થઈને તેઓનો તિરસ્કાર કર્યો, તેઓમાંના કેટલાકને માર્યા, તેઓના વાળ ખેંચી કાઢ્યા અને તેઓ પાસે ઈશ્વરના સમ ખવડાવ્યા કે, “અમે અમારી પોતાની દીકરીઓના લગ્ન તેઓના દીકરાઓ સાથે કરાવીશું નહિ અને તેઓની દીકરીઓ સાથે અમારા દીકરાઓના લગ્ન પણ કરાવીશું નહિ. 26ઇઝરાયલના રાજા સુલેમાને શું એ બાબતો વિષે પાપ નહોતું કર્યું? જો કે ઘણા રાષ્ટ્રોમાં તેના જેટલો મહાન રાજા કોઈ નહોતો, તે પોતાના ઈશ્વરનો વહાલો હતો. અને ઈશ્વરે તેને સર્વ ઇઝરાયલીઓ પર રાજા ઠરાવ્યો હતો. તેમ છતાં તેની વિદેશી પત્નીઓએ તેને પાપ કરવા પ્રેર્યો હતો. 27તો શું અમે તમારું સાંભળીને વિદેશી સ્ત્રીઓ સાથે લગ્ન કરીને આપણા ઈશ્વરની વિરુદ્ધ ઉલ્લંઘન કરીને આવું મોટું પાપ કરીએ?”

28મુખ્ય યાજક એલ્યાશીબનો દીકરો યોયાદાના દીકરાઓમાંના એક હોરોની સાન્બાલ્લાટનો જમાઈ હતો. તેથી મેં તેને મારી આગળથી કાઢી મૂક્યો.

29હે મારા ઈશ્વર, તેઓનું સ્મરણ કરો, કેમ કે તેઓએ યાજકપદને અને યાજકપદના તથા લેવીઓના કરારને અપવિત્ર કર્યાં છે.

30આ રીતે મેં સર્વ વિદેશીઓના સંબંધમાંથી તેઓને શુદ્ધ કર્યા અને યાજકોને તથા લેવીઓને પોતપોતાના કામના ક્રમ ઠરાવી આપ્યા. 31મેં ઠરાવેલા સમયે કાષ્ટાર્પણ માટે તથા પ્રથમફળોને માટે પણ ક્રમ ઠરાવી આપ્યો.

હે મારા ઈશ્વર, મારા હિતને માટે તેનું સ્મરણ કરો.

Copyright information for GujULB